સોમવાર, 12 નવેમ્બર, 2012

ખાટો વરસાદ

       રાજુ રખડેલો ભમી ભૂલકણો અને છગન છટકેલો ત્રણ ખાસ મિત્રો. એકવાર રાજુ એ પોતાની વર્ષગાંઠે બંને મિત્રોને ઘેર જમવા બોલાવ્યા.રાજુની મમ્મી એ સ્વાદિષ્ટ છોલા-પૂરી,પુલાવ,કેરીનો રસ,ખમણ,અને સલાડ બનાવ્યા.સલાડમાં લીંબુ અને ડુંગળી અને તો હોય જ.આમ ત્રણેય ટીખળી પણ જમવામાં કોઈ એ ટીખળ ના કરી. ધરાઈને સ્વાદિષ્ટ રસોઈ ઝાપટી. ભુલકણા અને છટકેલા એ  બર્થડે ગીફ્ટ આપી. જમ્યા પછી છટકેલા એ કહ્યું "રાજીયા, આટલા સરસ ભોજન પછી પાન કે આઈસક્રીમ કૈંક હોવું જોઈએ. કેમ ભૂલકણા? ભમી બોલ્યો " પહેલા આઈસ્ક્રીમ પછી પાન હોય તો તો રંગ રહી જાય આજની પાર્ટીનો" રાજુ તરત માની ગયો એટલે ત્રણેય આઈસ્ક્રીમ પાર્લર તરફ ઉપડ્યા.ભમી એ નીકળતા પહેલા  રસ્તામાં ચૂસવા માટે ભમી પાસે લીંબુના બે ત્રણ કકડા માંગીને લઇ લીધા.
        પણ.....જેવા તેઓ રવાના થયા કે ઝરમર ઝરમર વરસાદ શરુ થઇ ગયો એટલે આઈસ્ક્રીમનો કાર્યક્રમ રદ કરી પાન ખાવા પાનનાં ગલ્લા તરફ વળ્યા. ઝરમર વરસાદમાં પલળતા પલળતા ગલ્લે પહોંચ્યા.વરસાદ શરુ થવાના કારણે ઘરાકો ત્યાંથી રવાના થવા મંડેલા. પાનનો ઓર્ડર આપી ત્રણેય ગલ્લાની પાછળ એક દુકાનના ઓટલે બેસી વાતો એ વળગ્યા. થોડીવારમાં પાનવાળાએ બુમ પાડી "એય ય ય ય ય રાજુ પાન લઇ જા" એટલે રાજુ પાન લેવા ઉપડયો. ઓટલે છટકેલો અને ભૂલકણો બે રહ્યાં. ભૂલકણાને ટીખળ સુઝી. એને ધીરે રહીને ગજવામાંથી લીંબુનો કકડો કાઢી છટકેલાને  ખબર ના પડે એમ એના માથામાં નીચોવી દીધો. ઝરમર વરસાદમાં છટકેલાને ભમીના કારસ્તાનની ખબરના પડી. રાજુ પાન લઇ આવ્યો.
         ત્રણેય પાન ખાઈને 'વોક' પર ઉપડ્યા. તેઓ માંડ દસેક ડગલાં ચાલ્યા હશે ત્યાં વરસાદ ધોધમાર તૂટી પડ્યો. બે-પાંચ મિનીટમાં છટકેલાએ મોઢું લુછવા બંને હાથ  મોઢા પર ફેરવ્યા. જેવા  એના હાથ હોઠે પહોંચ્યા કે એ ચમક્યો! ફરી મોઢું લુછ્યું ફરી હાથ હોઠે અડાડયા ફરી ચમક્યો એટલે બોલ્યો  "યાર રાજીયા, આજે ખાટો વરસાદ પડી રહ્યો છે આજે વરસાદના પાણીમાં ખટાશ છે" ભમીનું મન થયું કે ખડખડાટ હસી પડે પણ ચુપ રહ્યો. આ બાજુ રાજુ છટકેલાની વાત સાંભળીને ચમક્યો. એણે પોતાના ચહેરા પર હાથ ફેરવી પાણી ચાખી જોયું. પાણી નોર્મલ હતું.  પાણી ખાટું ન લાગ્યું એટલ્રે રાજુ બોલ્યો " છગનીયા આજે તારું ભેજું છટક્યું નથી પણ ચસક્યું છે." છટકેલો બોલ્યો "તમે મારા ચહેરાને સ્પર્શ કરી પાણી ચાખી જુઓ." રાજુએ છગનના મોઢા પર બે આંગળી ફેરવ્યા પછી આંગળી પોતાના હોઠે અડાડી તો એને ય પાણી ખાટું લાગ્યું. પણ એને લાગ્યું સ્વાદ જાણીતો છે.
         અચાનક એને લાઈટ થઇ. એણે ભમીને પુછ્યું "તેં મારા ઘેરથી લીધેલા લીંબુના કકડા ક્યાં છે?" ભમી ચહેરા પર ભોળપણ લાવી બોલ્યો "મને યાદ નથી. યાદ રહેતું હોત તો મારી છાપ ભૂલકણો ના પડત.  ભમીના જવાબથી છટકેલાને ખબર પડી કે વરસાદ ખાટો  કેમ લાગે છે."એ પછી  કેટલી ય વાર સુધી છટકેલો 'છટકી' ગયો.

ફૂલવાડીના  ૧૮-૦૫-૨૦૦૮ ના અંકમાં છપાયેલી મારી વાર્તા ઉચીત પરિવર્તનો સાથે
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો