શનિવાર, 11 ડિસેમ્બર, 2021

ખાડો ખોદે તે પડે

 છગન છટકેલો અને ભમી ભૂલકણો યાદ છે ને!


      એકવાર બંને વચ્ચે ઝઘડો થઇ ગયો.ભમીને તે સમયે નવી નવી સાયકલ મળેલી. ભમી એને કાળજાનાં કટકાની જેમ સાચવતો. એકવાર છગને આંટો મારવા માટે સાયકલ માંગી. ભમીએ ચોખ્ખી ના પાડી દીધી. તેથી છગન ખીજાઈ ગયો. ભમી સાથે અબોલા લીધા. જો કે બે-ત્રણ દિવસ પછી ત્રીજા દોસ્ત રાજુ રખડેલાએ સમાધાન કરાવી દીધું. સમાધાન પછી ભમી તો ઝઘડાને ભૂલી ગયો. છગને મનમાં દાઝ જાળવી રાખી. મનમાં નક્કી કર્યું કે એકવાર ભમીને યાદ રહી જાય એવો પાઠ જરૂર ભણાવવો. પાઠ પણ એવી રીતે ભણાવવો  કે એનું નામ ક્યાંય ના સંડોવાય. પણ જો સમાધાન પછી તરત જ કાવતરું કરે તો પકડાઈ જાય માટે થોડા દિવસ પછી પાઠ ભણાવવાનું નક્કી કર્યું.

      એક મહિના પછી છગનને અવસર સાંપડ્યો. એક દિવસ સવારે છગનને ખબર પડી કે સાંજે, ભમી બાજુનાં ગામમાં એની માસીને મળવા જવાનો છે. છગનને ખબર હતી. ભમી એની માસીને ત્યાં સાયકલ પર જ જાય છે. બપોરે સુમસામ થઇ એટલે છગને કોઈને ખબર ના પડે એમ સાયકલની બ્રેક ઢીલી કરી દીધી. જેથી ભમીનો એક્સીડેંટ થાય. પાછો એક્સીડેંટનું  દ્રશ્ય જોવા મળે એટલે ગામથી થોડે દુર આવેલા 'રાજા-ટીંબા' નામનાં ટેકરા પર એક ઝાડ પર ચડીને બેસી ગયો. ત્યાંથી દુર સુધી જોઈ શકાતું. ભમી સાંજે પાંચ વાગ્યે સાયકલ પર સવાર થઈને માસીને ઘેર જવા નીકળ્યો. એતો ટેવ મુજબ આરામથી ધીમે ધીમે સાયકલ ચલાવી રહ્યો હતો.

      આ બાજુ છગનનાં ઘેર થી નીકળ્યા પછી એની મમ્મી લક્ષ્મીબહેનને જોરદાર તાવ આવ્યો. ઘરમાં બીજું કોઈ ન હોવાથી લક્ષ્મીબહેને ભમીને બોલાવવા રાજુને મોકલ્યો. જેથી એને ઘેર મૂકી દવા લેવા જઈ શકે. રાજુ છગનને શોધતો શોધતો રાજાના ટીંબે પહોંચ્યો. છગનને બધી વિગત જણાવી. છગન બેબાકળો થઇ તરત ઘર તરફ ભાગ્યો. એને સામેથી આવી રહેલો ભમી દેખાયો. છગને દુરથી જ એને રોકાવા માટે ઈશારો કર્યો. ભમીની સાયકલ ધીમી ગતિમાં હોવાથી બ્રેક ઓછી હોવા છતાં છગન પાસે પહોંચતા પહોંચતા રોકાઈ ગઈ. છગને ભમીને વિગત જણાવી જલ્દી ઘેર પહોંચવા સાયકલ માંગી. તાવ વિષે સાંભળી ભમીએ સાયકલ આપી દીધી.

      છગને પુરપાટ વેગે સાયકલને ઘર તરફ ભગાવવા માંડી. ઘેર જલ્દી પહોંચવાની ઉતાવળમાં એ ભૂલી ગયો કે આ એજ સાયકલ છે જેની બ્રેક એણે જ ઢીલી કરી છે. પુરપાટ વેગે એ તરફ જઈ રહ્યો હતો. અચાનક એક વળાંક પર એને સામેથી આવતી  કાર દેખાઈ. તે ગભરાયો. વળાંક એક  ટેકરા પાસે હોવાથી કાર પહેલા દેખાઈ ના હતી. એણે જોરથી બ્રેક મારી. બ્રેક વાગી નહિ. બ્રેક વાગે ક્યાંથી? કારના ડ્રાઈવરે પણ બ્રેક મારી. બ્રેક લાગી ય ખરી પણ બંને વચ્ચે ઓછું અંતર હોવાથી છગન ધ..ડા......મ........... કરતો કાર સાથે અથડાઈ ને ઉછાળ્યો. એક પત્થર સાથે માથું અફળાયું. એ બેભાન થઇ ગયો.

      છગનને જયારે ભાન આવ્યું. એ હોસ્પીટલના પલંગ પર હતો. હાથે પગે ચૂનાના પાકા પાટા બાંધેલા હતા. એની આજુબાજુમાં એના પપ્પા, મમ્મી, બહેન, બંને મિત્રો અને ત્રણ અપરિચિત માણસો ઉભા હતા. એને ભાનમાં આવેલો જોઈ સૌએ હાશ અનુભવી. એના પપ્પા ઈશ્વરભાઈએ એને હળવા પ્રેમભર્યા અવાજમાં કહ્યું "બેટા, આટલી ઝડપથી સાયકલ ચલાવતી હશે? ના ચલાવાય. આ તો કારવાળા ભાઈઓ બહુ સારા માણસો છે કે તને હોસ્પિટલ લઇ આવ્યા. નહીતર શી ખબર કેટલીવાર તું ત્યાં પડ્યો રહ્યો હોત. શું નું  શું થઇ જાત? તારા નસીબ સારા કે આટલી ભયંકર ટક્કર થવા છતાં ખાલી ફ્રેકચર થયા છે."

      છગનને ખરેખર પસ્તાવો થયો. એક્સીડેંટનું સાચું કારણ તો એને એકલાને જ ખબર હતું. જે ખાડો એણે બીજા માટે ખોદેલો. એમાં એજ પડ્યો. એણે મનમાં સંકલ્પ લીધો. હવે કોઈનું નુકસાન થાય એવું કંઈ પણ કરીશ નહીં. કારણ કે " ખાડો ખોડે તે પડે"

બાળ-સાપ્તાહિક 'ફૂલવાડી'નાં તા.૧/૬/૨૦૦૮ના અંકમાં છપાયેલી મારી બાળ-વાર્તા
અભણ અમદાવાદી