સોમવાર, 12 નવેમ્બર, 2012

આ રમત કેવી? [જીવ-દયા વાર્તા]

        ચીકુ ખુબ જ અડપલાખોર. રસ્તે જતાં-આવતાં કે રમતાં રમતાં પશુ-પંખીઓ સાથે અડપલા કરે. કુતરાને પત્થર મારે, ગાયનું પૂછડું આમળે. બિલાડીની પાછળ દોડે એને દોડાવે. ઝાડ પર બેઠા પંખીઓને ગિલોલથી કાંકરીચાળો કરે. હા, ચીકુ પશુ-પંખીઓ સાથે જ અડપલા કરે.

         ચીકુના પપ્પા અરવિંદભાઈ અને મમ્મી રમાબહેન એને ઘણીવાર સમજાવે.પશુ-પંખીઓને ખોટાં હેરાન ન કરવાં. એમના પ્રત્યે દયાની લાગણી રાખવી.પણ ચીકુ એમની શિખામણને ગણકારે નહીં. અરવિંદભાઈ અને રમાબહેન ધાર્મિક સ્વભાવના હતાં. બંને રોજ સવારે અને સાંજે શિવમંદિરે દર્શન કરવા જતાં. ઘેર પણ પૂજા કરતાં. રમાબહેન પહેલી  રોટલી ગાય માટે જુદી રાખતાં. રસ્તામાં ક્યાંય કોઈ પશુ કે પંખી ઘાયલ દેખાય તો દવાખાને પહોંચાડતાં.

         આવા ધાર્મિક વિચારોવાળા માતા-પિતાનો દીકરો ચીકુ આમ ડાહ્યો અને ભણવામાં હોંશિયાર હતો. બસ પશુ-પંખીઓ સાથે અડપલાં કરવાનો જ દુર્ગુણ હતો. એક દિવસ ચીકુને અડપલું ભારે પડ્યું. તે દિવસે રમાબહેને ચીકુને ગાયને રોટલી આપવા માટે મોકલ્યો. ચીકુ ગાયને રોટલી આપવા માટે ઉપડ્યો. શેરીમાં એણે કુતરું જોયું. ચીકુને અડપલું કરવાનું મન થયું. એણે કુતરાને રોટલી બતાવી. રોટલી જોઈ કુતરું દોડતું ચીકુ પાસે આવ્યું. કુતરાને રોટલી આપવાને બદલે ચીકુ એને ટટળાવા માંડ્યો. ઘડીકમાં એના મોં પાસે રોટલી ધરે. આગલી મીનીટે પછી ખેંચી લે. હાથને હવામાં ગોળગોળ ફેરવે. રોટલી મેળવવા કુતરું ય પાછળ પાછળ મોં ફેરવે. થોડીવાર એક જગ્યા એ ઊભાં ઊભાં રમત કર્યાં પછી ચીકુ લે-લે કરતો દોડ્યો. કુતરું બિચારું રોટલીની આશામાં પાછળ પાછળ દોડ્યું. ચીકુ એ કુતરાને આમ અડધો પોણો કલાક ટટળાવ્યાં પછી રોટલી ગાયને આપી દીધી. પોતાની મહેનત એળે જતી જોઈ કુતરું ગાય સામે ભસવા માંડ્યું ત્યારે ચીકુ એ પત્થર મારીને કુતરાને ભગાડી દીધું. મહેનત એળે જવાથી કુતરું નિરાશ થઈને જતું રહ્યું. કુતરાને રોટલી માટે  ટળવળતું જોવાની ચીકુને મઝા પડી ગઈ.

         બીજા દિવસે પણ ચીકુએ કુતરાને રોટલી માટે ટટળાવ્યું  ત્રીજા દિવસે પણ ટટળાવ્યું. આમ સળંગ પાંચ દિવસ એણે કુતરાને રોટલી માટે ટટળાવ્યું. છટ્ઠા દિવસે કુતરું બહુ જ ભૂખ્યું હતું.દોઢ દિવસથી ખાવા માટે કંઇ જ મળ્યું ન હતું. એ દિવસે પણ ચીકુ એ રોટલી બતાવી અડપલાંની શરૂઆત  કરી. બીજી તરફ ભૂખ્યું હોવાનાં તથા ચીકુ રોજ  ટટળાવતો હોવાનાં કારણે કુતરું ખુબ ગુસ્સે ભરાયેલું હતું. એક બે મિનીટ તો કુતરું પાછળ દોડ્યું. પણ રોટલી ન મળી એટલે એનો ગુસ્સો ફાટી પડ્યો. એણે બા......ચ  કરતું ચીકુનાં હાથે બચકું ભરી લીધું. ચીકુનાં મોંમાંથી ચીસ નીકળી ગઈ. રોટલી હાથમાંથી છૂટી જમીન પર પડી ગઈ. કુતરું તરત એ રોટલી લઇને ભાગી ગયું. ચીકુ રડતો રડતો ઘ્રેર ગયો. મમ્મીને કુતરાએ બચકું ભર્યાની વાત કરી. રમાબહેન તરત જ એને દવાખાને લઇ ગયા. દવાખાનેથી જ ફોન કરીને અરવિંદભાઈમેં સઘળી વાત જણાવી. તેઓ પણ દવાખાને પહોંચી ગયા. ડોકટરે દવાઓ આપી. પાટો બાંધ્યો. ત્રણ ઈન્જેક્શન લેવા પડશે એમ કહ્યું.  ચીકુને ઈન્જેક્શનની બહુ બીક લાગતી પણ કરે શું? એણે ઈન્જેક્શન માટે હા પાડવી પડી. ઘેર પાછા પહોંચ્યા પછી અરવિંદભાઈ અને રમાબહેને ચીકુ પાસે સાચી વાત કઢાવી. સાચી વાત જાણ્યા પછી ઠપકો ય આપ્યો, ઠપકો મળ્યા પછી શાંતિથી વિચારતાં ચીકુને ય સમજાયું કે 'ખરેખર હું પશુ-પંખીઓને બહુ જ હેરાન કરું છું. મેં કુતરાને રોટલી માટે બહુ જ ટટળાવેલું. રોટલી માટે કદી કોઈ  જીવને ટટળાવવા નહીં. હેરાન કરવા નહીં.

બાલ માસિક  'સહજ બાલઆનંદ'નાં માર્ચ-૨૦૧૨નાં  અંકમાં છપાયેલી મારી બાળ-વાર્તા
અભણ અમદાવાદી/મહેશ સોની

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો